Wednesday, May 11, 2011

72 - રીંગણા

72 - રીંગણા
આપણાં શાકભાજીઓમાં રીંગણાં કે વંતાકનું એક ખાસ મહત્‍વ છે. રીંગણાં શિયાળુ શાક છે. રીંગણને શાકનો રાજા કહે છે. એની સ્‍વાદપ્રિયતા અને ગુણો શિયાળાની ઋતુ પૂરતાં જ મર્યાદિત છે. ઉનાળામાં તે રીંગણાંનાં ગુણ અને સ્‍વાદ બદલાય છે.
આપણે ત્‍યાં દિવાળી પહેલાં રીંગણાં ન ખાવાનો ધાર્મિક ખ્યાલ છે, જે આરોગ્‍યની ર્દષ્ટિએ લાભપ્રદ છે. શરદ ઋતુ (ભાદરવો-આસો)માં આપાણાં શરીરમાં સ્‍વાભાવિક જ પિત્તદોષનો પ્રકોપ થાય છે. રીંગણાં ગરમ હોવાથી આ શરદ ઋતુમાં ખવાય તો તે ગરમીનાં દર્દો કરે છે. વસંતઋતુ (કારતક-માગશર)માં બહાર ઠંડી પડે છે ત્‍યારે ખાવાથી શરીરમાં ગરમાવો આપનાર રીંગણાં સેવન લાભપ્રદ બને છે. એક વૈદ્ય કવિએ રીંગણાંનાં શાકની અતિશય પ્રશંસા કરતાં લખ્યું છેઃ વંતાક (રીંગણ) વિનાનું ભોજન ધિક્ છે. ડીંટડું હોય પણ શાક જો તેલથી ભરપૂર ન હોય તો તેવું શાક ધિક્ છે. ડીંટડાવાળું તથા ભરપૂર તેલવાળું રીંગણનું શાક હોય પણ જો તે હિંગથી વઘાર્યું ન હોય તો તે ધિક્ છે.‘
ગોળ રીંગણાંને આપણે ત્‍યાં ‘ભુટ્ટા‘ કહે છે અને ચીકુ જેવડાં મોટા ગોળ રીંગણને ‘રવૈયાંઐ કે ‘ડેંટા‘ કહે છે. રીંગણાંમાં કાંટાવાળી અને કાંટા વિનાની એમ બે જાતો થાય છે. કાંટાવાળાં રીંગણાંના ડીંટાં ઉપર કાંટા હોય છે. રીંગણના છોડ ઉપર ભોરિંગણીના જેવાં રીંગણી રંગના ફૂલ આવે છે. છોડ પર ફૂલ અને ફળ વર્ષમાં ઘણી વાર આવે છે.
ઓષધપ્રયોગો
વાળો (નારુ) : રીંગણ શેકીને, તેમાં દહીં મેળવી, વાટીને (કે દહીંમાં ભરત કરીને) વાળા ઉપર ૭ દિવસ બાંધવાથી વાળો મટે.
પેટમાં ભાર : રીંગણના શાકમાં લસણ, આદુ, લીલાં મરચાં, કોથમીર અને અન્‍ય ગરમ મસાલો સારી રીતે નાખી, શાક-દાળ-ભાત કે ખીચડી તે સાથે ખાવું અથવા વંતાક શેકી તેમાં સાજીભાર નાખી પેટ ઉપર બાંધવા.
અંડકોષ : રીંગણાંના મૂળ પાણીમાં ઘસીને અંડકોષ પર લેપ કરવો.
અનિદ્રા : સાંજે રીંગણાં (ભુટ્ટા) અંગારામાં શેકી, મધમાં કાલવીને રોજ ખાવાથી શાંત નિદ્રા આવે છે. અથવા રીંગણાંનો ઓળો વધુ ઘી કે તેલમાં બનાવી રાતના ભોજન સાથે ખાવો અથવા રીંગણાં ને ડુંગળીનું શાક ખાવું.
મંદાગ્નિ : આમદોષ-રીંગણાંની સાથે પાકાં ટામેટાં, આદુ, લીલાં મરચાં, કોથમીર તથા ગરમ મસાલો સારી રીતે નાખી, તેલમાં રાઈ-મેથી-હીંગનો વઘાર કરી બનાવેલું શાક દાળ-ભાત કે ખીચડી સાથે ખાવું.
બરોળ વધવી : જીર્ણ મેલેરિયા તાવને કારણે ઘણી વાર બરોળ (સ્પલીન) વધી જાય છે. એ સ્થિતિમાં રીંગણાંનો ઓળો, તેલ-ગોળ તથા મીઠાની જગ્‍યાએ, નવસાર નાખી બનાવી ખાવાથી લાભ થાય છે.
અલ્પાર્તવ-પીડિતાર્તવ : જે બહેનોને દર મહિને ખુલાસાથી માસિકસ્ત્રાવ ન થતો હોય કે પીડા સાથે માસિક આવતું હોય તેમણે રીંગણાંના શાકમાં દહીં મેળવીને ખાવું જોઈએ. આવું શાક વધુ તેલ, ગોળ અને ગરમ મસાલો નાખી બનાવવું જોઈએ અને તે માસિકના ૩-૪ દિવસે ખાસ લેવું જોઈએ. પણ ગરમ પ્રકૃતિવાળી સ્ત્રીઓએ આ પ્રયોગ ન કરવો.
પથરી : રીંગણાંનું શાક ખાવાથી પેશાબની છૂટ થાય છે, શરૂઆતની નાની (ફરજ કે વાતજ) પથરી ઓગળી જાય છે.
હેડકી અને શ્વાસ : તેલ, દહીં તથા ગરમ મસાલો સારી રીતે નાખી બનાવેલ રીંગણાંનું શાક જવ કે ઘઉંની રોટલી કે ભાખરી સાથે ખાવું.
હરસ (જન્મનાં) : રીંગણાંને સુવાના ક્ષારના પાણીમાં સિજાવી, પછી તેને ઘીમાં સાંતળી, જરૂરી મસાલો તથા ગોળ નાખી શાક બનાવી ભરપેટ ખાવું. ઉપરથી મોળી મીઠી છાશ પીવી. પ્રયોગ શિયાળામાં કરવાથી જન્મથી થયેલા હરસમાં વર્ષભર કે કાયમી રાહત થઈ જાય છે.
પક્ષાઘાત-રાંઝણ : દીવેલ તેલમાં રીંગણાંનું શાક ગરમ મસાલો-ગોળ નાખી બનાવીને તેને રાઈ-મેથી-હીંગથી વઘારીને રોજ ખાવાથી આ બંને દર્દમાં લાભ થાય છે.
મોચ-ચોટની પીડા : રીંગણાંને શેકી, તેમાં હળદર તથા ડુંગળી (બાફીને) વાટી, માર-ચોટની જગ્‍યા પર ગરમ લેપ કરવાથી લાભ થાય છે. તે સાથે રીંગણાંનું શાક તથા ગોળ નાખી બનાવીને ખાવું.
વધુ પરસેવો : કાચાં રીંગણાંનો રસ કાઢી, શરીર પર ચોપડવાથી વધુ પડતો પરસેવો નીકળવો બંધ થાય છે.
ધંતૂરાનું ઝેર : કાચાં રીંગણાંનો રસ ૩૦-૪૦ ગ્રામ કાઢી, ધંતૂરાના ઝેરના દર્દીને દિનમાં ૩-૪ વાર પાવાથી ઝેર નાબૂદ થાય છે.

No comments:

Post a Comment