Wednesday, May 11, 2011

અમ્રુત ફળ પાકી કેરી

અમ્રુત ફળ પાકી કેરી

પાકી કેરી જો મીઠી હોય તો તેની લિજ્જત જ કંઈ ઓર હોય છે. દુનિયાના દેશોને ભારતની કેરીનું અનેરું આકર્ષણ છે.
પાકી કેરી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી પચવામાં ભારે, ચીકણી, અગ્નિદીપક, મળભેદક, વાત- પિત્તનાશક અને કફકારક છે. તે વીર્યવર્ધક, બળવર્ધક, સુખકારક, શરીરનો રંગ સુધારનાર અને રોચક છે.
પાકી કેરીને બરાબર ધોઈ, સારી રીતે ઘોળી અને ચૂસીને ખાવી જોઈએ, જેથી તે તરત પચી જઈને શરીરને પોષણ અને શક્તિ આપે છે.
પાકી કેરીનો રસ પાણીમાં મેળવી તેનાથી શરીરે ચોળીને નહાવાથી અળાઈ મટે છે.
કેરીની ગોટલી શેકીને તેનો ઉપયોગ કરવો. તે કરીથી થતા ઝાડા મટાડે છે અને કેરીના રસનું પાચન કરે છે. મરડા અને ઝાડામાં કેરીની શેકેલી ગોટલી દહીં કે છાશ સાથે આપવી.
ગોટલી સ્વાદે તૂરી અને સ્તંભક હોઈ તે ઝાડા ઉપરાંત લોહીને પણ વહેતું અટકાવે છે. જો દૂઝતા હરસ, લોહીવા, નસકોરી ફૂટવી વગેરેમાં લોહી બંધ કરવું હોય તો ગોટલીનું સેવન કરવું.
ગોટલીનો ભૂકો પાણીમાં કાલવી શરીરે ચોપડવાથી અળાઈ થતી નથી અને થયેલી અળાઈ મટે છે.
ઊતરી ગયેલી, બગડી ગયેલી, ચાંદાંવાળી કે બેસ્વાદ કેરી ખાવી નહિ.

પેટ તથા હ્રદય માટે ઉતમ,પૌષ્ટિક પપૈયું

પેટ તથા હ્રદય માટે ઉતમ,પૌષ્ટિક પપૈયું


પપૈયું બારે માસ મળતું મધુર ફળ છે. તે ઘરને આંગણે વાવીને બારે માસ મેળવી શકાય છે. તેની ખેતી પણ થાય છે.
પપૈયું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સહેજ ચીકણું, મળને સાફ લાવનાર, વાત અને કફકર તથા પિત્તનાશક છે. કાચું પપૈયું ગરમ છે અને પિત્તકર છે.
જેમનો જઠરાગ્નિ મંદ હોય, બીમારી પછી અશક્તિ આવી ગઈ હોય, ખોરાક ખાઈ શકતા કે પચાવી શકતા ન હોય તેવી વ્યક્તિ પપૈયામાં મીઠું-મરી ભેળવી ખાઈ શકે.
પપૈયાના બી પેટના કૃમિને મારે છે. રોજ પાંચથી સાત પપૈયાના બીનો ભૂકો ખાવો.
પપૈયાના મૂળનો ઉકાળો પીવાથી પથરીના રોગમાં લાભ થાય છે. ઘણીવાર પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
પપૈયું પૌષ્ટિક છે. અશક્તિ, માંસક્ષય, લોહીની ઓછપમાં તે સારું છે. પેટના રોગી અને હ્રદયના રોગી પપૈયું છૂટથી ખાઈ શકે. કબજિયાતવાળા અને આંતરડાંની નિર્બળતામાં પપૈયું નિયમિત લેવું. પેટનો ગોળો અને બરોળ વૃદ્ધિમાં પપૈયું ફાયદો કરે છે.
બાળકોને પપૈયું ખવડાવવાથી તેની ઊંચાઈ વધશે.
કાચાં પપૈયાનું છીણ-સંભારો ખાવાથી પાચનશક્તિ સુધરે છે.
પપૈયું ગરમ છે માની સગર્ભાને ખવરાવાતું નથી તે ખોટું છે.

શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક દ્રાક્ષ

શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક દ્રાક્ષ


દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે.
દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. તાસીરે તે ઠંડી, પચવામાં ભારે, સહેજ ચીકણી, મળને સાફ લાવનાર, વાતકર અને પિત્તશામક છે. દ્રાક્ષ પેશાબ સાફ લાવનાર, આંખો માટે સારી, વીર્ય વધારનાર, લોહી બગાડ અને પિત્તપ્રકોપના રોગી માટે સારી છે. તે બલ્ય, પોષક, રોચક અને દાહશામક છે. મોંની કડવાશ, ઉધરસ, થાક, તરસ, દમ, અવાજ બેસી જવો, ક્ષયરોગ, કમળો, તાવ, વાતરક્ત, પેશાબની રૂકાવટ, બળતરા વગેરેમાં દ્રાક્ષ સારી છે.
અમ્લપિત્ત, લોહી બગાડ, કબજિયાત, ચામડીના રોગો, શરીર અને પેશાબની બળતરામાં કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી સાકર સાથે લેવી. મોં આવી ગયું હોય તો મોંમાં કાળી દ્રાક્ષ રાખી ચૂસ્યા કરવાથી મોંના ચાંદાં મટી જાય છે.
દ્રાક્ષનો દ્રાક્ષાસવ ખોરાકનું પાચન કરવા અને ભૂખ લગાડવામાં ખૂબ પ્રચલિત છે. તે ઉધરસ, દમ, ટી. બી. વગેરેમાં સારો છે અને શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક છે.
લીલી દ્રાક્ષનો રસ સાકર સાથે મેળવીને લેવાથી શરીરની બળતરા મટે છે.
ગરમાળાનો ગોળ અને કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી તાવ તૂટે છે.

શિયાળાનું મીઠું ફળ જામફળ

શિયાળાનું મીઠું ફળ જામફળ

જામફળને જમરૂખ પણ કહે છે. તેનો ગર્ભ ખૂબ પોચો અને મીઠો હોય છે, પરંતુ તેની અંદરના કઠણ બી તેની ખાવાની મઝા બગાડે છે.
જામફળ મીઠા, સહેજ ખાટા અને તૂરા હોય છે. તાસીરે ઠંડા, પચવામાં ભારે, સહેજ ચીકણા, મળને રોકનાર, વાત – પિત્તશામક અને કફવર્ધક છે. તે વીર્યવર્ધક, પોષક, સ્વાદિષ્‍ટ, રોચક અને હિતકર છે. કૃમિ, શોષ, તરસ, દાહ, ભ્રમ, મૂર્છા, તાવ, બુદ્ધિમાંદ્ય વગેરે મટાડે છે.
સૂકા કે લીલાં કાચા જામફળને છીપર ઉપર ઘસી તેનો માથે લેપ કરવાથી ગમે તેવું માથું દુઃખતું હોય કે આધાશીશી હોય તો મટી જાય છે.
બાળકો કે વૃદ્ધોને ગુદા બહાર નીકળી (આમળ) જતી હોય તો જામફળના પાનને વાટી તેની લૂગદી લગાવવી.
જામફળના પાન કે છાલનો ઉકાળો પીવાથી ઝાડા મટે છે. તેના પાનની પોટીસ ગૂમડાં ઉપર બાંધતા તે ફાટી જાય છે.
બુદ્ધિજીવીઓ માટે જામફળ સારા છે. ટાઢિયો તાવ આવતો હોય તેઓ પણ જામફળ ખાઈ શકે. ગાંડપણનો રોગી જામફળ ખાય તો તેને ફાયદો થાય છે. કબજિયાતનો રોગી નિયમિત રીતે જામફળ ખાય તો પેટ સાફ આવે છે. પાનનો રસ ભાંગનો નશો મટાડે છે. પાનની પોટીસ આંખે બાંધવાથી આંખના રોગો મટાડે છે.

બિમાર માણસનું ઉતમ ઔષધીય ફળ ચીકુ

બિમાર માણસનું ઉતમ ઔષધીય ફળ ચીકુ


કેળાં પછીનું બીજું સુલભ ફળ ચીકુ છે. તે પણ લગભગ બધી ઋતુમાં મળે છે અને સસ્તુ હોય છે, આબાલ-વૃદ્ધ સૌને તે ભાવે તેવું સ્વાદિષ્‍ટ હોય છે. ચીકુ સ્વાદે મીઠા હોય છે. તે સહેજ કાચાં હોય તો તૂરા લાગે છે. તાસીરે તે ઠંડા, સહેજ ચીકાશવાળા, પચવામાં પ્રમાણમાં હલકાં અને રોચક છે. તે પિત્તશામક અને કફકર છે. તે પોષક, શક્તિવર્ધક અને બળપ્રદ છે.
બીજાં ફળોની જેમ ચીકુમાં બિલકુલ ખટાશ હોતી નથી. કેળાંનો પણ આ જ ગુણ છે. તેથી આ બંને ફળો પિત્તરોગમાં સારા છે. ખાસ કરીને અમ્લપિત્તના રોગી માટે ચીકુ પથ્ય છે. બળતરા, તરસ, થાક અને અશક્તિ પણ આ ફળ મટાડે છે.
માંદગી પછીનો થાક, અશક્તિ, અગ્નિમાંદ્ય વગેરેની દ્રષ્ટિએ ચીકુ સારા છે. તે માંદાં લોકોને પણ આપી શકાય. રોગીઓની સામાન્ય શારીરિક શક્તિ ટકાવી રાખે છે અને શરીરને પોષણ આપે છે.
ચીકુમાં સાકર ભેળવી ખાવાથી પેશાબની બળતરા મટે છે.
ચીકુની છાલનો ઉકાળો તાવ અને ઝાડા મટાડે છે.
કાચાં ચીકુ ખાવા નહિ, તે પેટમાં ગરબડ કરે છે.

બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ કેળાં

બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ કેળાં


કેળાં બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ છે. તેની ઘણી જાતો છે. તેમાં માંસલ ભાગ ખૂબ હોય છે અને છાલ સહેલાઈથી છૂટી કરી શકાય છે. પાકેલાં કેળાં સારાં. તે જેમ વધુ પાકે છે તેમ છાલ પાતળી થતી જાય છે.
કેળાં સ્વાદે મીઠા, સહેજ તૂરા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, ચીકણા, ઝાડાને બાંધનાર, પિત્તશામક અને કફકર છે. તે વીર્યવર્ધક, ધાતુવર્ધક, સ્વાદિષ્‍ટ અને પથ્ય છે, રક્તપિત્ત, બળતરા, ક્ષત, ક્ષય, તરસ, આંખના રોગ, પેશાબના રોગ, પથરી, નિર્બળતા, દૂબળાપણું વગેરેમાં સારા છે.
બાળક કે કોઈપણ વ્યક્તિ વીંટી, લખોટી કે કોઈપણ અખાદ્ય ગળી ગયું હોય તો તેને ખોરાક બંધ કરાવી માત્ર કેળાં ઉપર રાખતાં તે ચીજ મળમાં ગંઠાઈ બહાર નીકળી જાય છે. આ માટે મળમાં ધ્યાન રાખવું જોઈએ.
ભસ્મક રોગમાં કેળાં ખૂબ સારા. ઘણા લોકોને ખૂબ ભૂખ લાગી હોય, ખૂબ ખાતા હોવા છતાં શરીર વળતું ન હોય, બધું બળી જતું હોય તેને કેળાં જ ખવડાવવા.
પાકાં કેળાં ઘી-સાકર સાથે લેવાથી ધાતુપુષ્ટિ થાય છે અને વજન વધે છે.
વધુ પડતાં કેળાં ખવાઈ ગયા હોય અને તેનું અજીર્ણ થયું હોય તો એલચી ખાવી. એલચી કેળાનું અજીર્ણ મટાડે છે.

ઉનાળાનું અમૃત ફળ કાચી કેરી

ઉનાળાનું અમૃત ફળ કાચી કેરી

કેરીની ઘણી બધી જાતો છે. ઉનાળાનું એ અમૃત ફળ છે. કાચી અને પાકી બંને કેરીના ગુણમાં તફાવત હોઈ તેને અલગ અલગ જોઈશું.
કાચી કેરી સ્વાદે તૂરી અને ખાટી છે. તાસીરે તે ગરમ છે. પચવામાં ભારે અને ગુણમાં લૂખી છે. તે મળને રોકે છે અને ત્રણેય દોષને શાંત કરતી નથી, પરંતુ થોડો પ્રકોપાવે છે. તેનું વધુ સેવન કરવાથી લોહી બગાડ થાય છે. આ નાની કાચી કેરી કે જેને મરવા કહેવામાં આવે છે તેના ગુણો છે. જાળી પડેલી કાચી કેરી નુકશાન કરતી નથી.
કાચી કેરી અને ડુંગળીની કચુંબર સીઝનમાં રોજ ખાવી જોઈએ. તેનાથી લૂ લાગતી નથી, ખોરાક પચે છે અને ગરમી સામે રક્ષણ મળે છે. ?
કાચી કેરીનું શરબત કે બાફલો શરીરના જલીય તત્વને સપ્રમાણ રાખે છે. ઉનાળામાં પરસેવામાં જલીય તત્વ ઘટી ન જાય તેની તકેદારી રાખે છે.
કાચી કેરીની ખટાશ દૂર કવા તેમાં મીઠું અને ગોળ ભેળવી શકાય.
ઉનાળાની સીઝનમાં કાચી કેરીની વાનગીઓ ખાવાથી શરીરની ખૂટતી શક્તિ અને પોષણની પૂર્તિ થાય છે.
કાચી કેરીનાં અથાણાં, મુરબ્બો, આંબોળિયા વગેરે બનાવી બારે માસ ખાઈ શકાય છે.