63 - અજમો
પરિચય :
અજમો દરેક ઘરમાં એક અગત્યના મસાલા તરીકેનું સ્થાન ભોગવે છે. એના વગર રસોડું અધૂરું કહેવાય. કેટલાંક ફરસાણો અજમો નાખવાથી જ સ્વાદિષ્ટ બને છે. અજમો સર્વત્ર સહજતાથી મળી શકે છે. કેટલીક વાયુકર્તા વસ્તુઓની સાથે અજમાનું ચૂર્ણ ભેળવીને ખાવાથી વાયુદોષ નડતો નથી, ઉપરાંત એનાથી બીજા પણ લાભ થાય છે.
અજમાનાં લીલાં પાંદડાં પણ ઘણાં ઉપયોગી હોય છે. ઘરમાં જ એક કૂંડામાં અજમાનો છોડ વાવ્યો હોય, તો જમ્યા પછી તેનાં થોડાં પાંદડાં ચાવી જવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે.
અજમામાંથી એક પ્રકારનું તેલ નીકળે છે. તે તેલને શીત પદ્ઘતિથી જમાવાય છે અને તેને નાની નાની પાતળી સળીઓનું સ્વરૂપ અપાય છે. તે અજમાનાં ફૂલ (Thymol) તરીકે ઓળખાય છે. ખાસ કરીને મોઢામાં ઠંડક લાવવા માટે તે પાનમાં નખાય છે. તેનાથી મનને પ્રસન્નતા મળે છે અને તાજગીનો અનેરો આનંદ અનુભવાય છે.
ગુણધર્મ :
અજમો તીક્ષ્ણ, લઘુ, હ્રદ્ય, વૃષ્ય, સ્વાદે અલ્પ કટુ, રુચિકર, ઉષ્ણ, અગ્નિદીપક, પાચક, વાંતિ (ઊલટી), કૃમિ અને શુક્રદોષનો નિવારક, ઉદરરોગ, હ્રદયરોગ, બરોળ, ગુલ્મ અને આમવાતનો નાશક છે.
ઉપયોગ :
(૧) પેટના દુખાવા ઉપર : અજમાના ચૂર્ણની એક નાની ચમચી દિવસમાં બે વખત પાણી સાથે લેવી.
(ર) અજીર્ણની તકલીફ ઉપર : એક નાની ચમચી પાણી સાથે લેવી. આથી પાચનક્રિયા સુધરે છે.
(૩) શીતપિત્ત ઉપર : (આ એક પ્રકારની એલર્જી છે. એમાં શરીર પર નાનાં નાનાં ચકતાં ઊપસી આવે છે.) એક નાની ચમચી અજમાનું ચૂર્ણ થોડા ગોળ સાથે લેવું. આથી ચકતાં બેસી જાય છે.
(૪) શરદી, સળેખમ અને માથાના દુખાવા ઉપર : રાતે સૂતી વખતે અજમો ગરમ પાણી સાથે લેવો.
(૫) બહુમૂત્રતાની તકલીફ ઉપર : રાતે સૂતી વખતે એક નાની ચમચી અજમાનું ચૂર્ણ એક નાની ચમચી તલ સાથે ચાવીને સૂવું.
(૬) ખાંસી અને કફની તકલીફ ઉપર : અજમાનું ચૂર્ણ બે-ત્રણ વખત ગરમ પાણી સાથે લેવું. આથી કફ નીકળી જઇ ખાંસી મટે છે. ઠંડી વસ્તુઓનો ત્યાગ કરવો.
(૭) સુવારોગ અને સુવાવડના અન્ય દોષ ઉપર : અજમાનું ચૂર્ણ અને ગોળ એકત્ર કરી એક નાની તપેલીમાં લો. એમાં એક ગ્લાસ પાણી ભેળવી ગરમ કરવા મૂકો. પાણી બળીને અડધું થઇ જાય ત્યારે નીચે ઉતારી લો. તૈયાર થયેલો કાઢો બે-બે ચમચા સવાર-સાંજ પીઓ. આ કાઢો ત્રણ-ચાર દિવસ ચાલશે. પીતી વખતે ફરીથી ગરમ કરી લેવો. આ કાઢો પંદરેક દિવસ લેવાથી પ્રસૂતાને સુવાવડના દોષો નડતા નથી.
(૮) જખમ પાકે નહિ તે માટે : ઠેસ વાગી હોય (અથવા નવાં બૂટ કે ચંપલનો ડંખ લાગ્યો હોય) તો ગોળ અને અજમાનો લૂવો બનાવો. તેને ગરમ કરેલા તાવીથાથી ગરમ કરી લો. બે-ત્રણ વખત તાવીથો ગરમ કરીને મૂકવાથી લૂવો નવશેકો થઇ જશે. તેને એક કપડાના ટુકડા પર લઇ જખમ અગર ડંખ પર બાંધી દો. બે-ત્રણ દિવસ આવી રીતે કરવાથી તકલીફ દૂર થઇ જશે.
Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin
No comments:
Post a Comment